Posted in Diary

રોજનીશી – ૨

આજે મારી કમ્યૂટર તાલીમનો છેલ્લો દિવસ હતો. આવતીકાલે લેવાનારી પરીક્ષાની પૂર્વતૈયારી માટે સૌ તાલીમાર્થીઓને વહેલા છોડી મૂકાયા એટલે શાળાના દિવસોમાં ‘આખર તારીખે’ છેલ્લા બે તાસમાંથી મળતી રજા જેવી લાગણી થઈ આવી. ખેર, વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા ફરી એક માવઠાની આગાહી અપાઈ છે. અને હું પરીક્ષાની તૈયારીને બદલે આ બ્લોગ પોસ્ટ લખવા બેઠો છું.

નવેમ્બર મહિનાની શરૂઆત દિવાળીના તહેવારોથી થઈ. અલબત, મને દિવાળી બહુ ફિક્કી લાગી. પહેલાં જેવો ઉમંગ સદંતર ગે.હા. જણાયો. કદાચ ઉંમરની સાથે આવતું પરિવર્તન હશે કે પછી તહેવારોનું બદલાતું સ્વરૂપ ! હવે, બેસતા વર્ષે ઘરે આવનારા મિત્રો-સ્વજનો ઘટતા જાય છે. મોટાભાગના પરિવાર પ્રવાસ-પર્યટન અર્થે જુદાજુદા સ્થળે નીકળી પડતા હોય છે.

સાપ્તાહિક વેકેશન પછી ફરી ઓફિસમાં જોડાયો એ જ દિવસે મારે ‘નશીલી દવાઓ અને માદક દ્રવ્યો’ના એક કિસ્સામાં પંચ તરીકે હાજરી આપવાનું બન્યું. બાતમીના આધારે પોલીસે કરેલી રેઈડમાં સપ્લાયર તો ફરાર થઈ ગયો પણ એનો એક ગ્રાહક પોલીસના કબજામાં આવી ગયેલો. એની જડતી લેતાં એની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આવા કિસ્સાઓમાં પહેલાં સાક્ષી તરીકે કોઈ ત્રાહિત વ્યક્તિઓને રોકવામાં આવતી હતી પરંતુ અમુક કિસ્સાઓમાં જ્યારે આરોપી વગદાર કે માલમિલકતવાળો હોય ત્યારે ધાકધમકી કે લાલચ આપી ન્યાયાલયમાં સાક્ષીની જુબાની ફેરવી તોળાતી હોવાનું કૉર્ટની નજરમાં આવતાં એનડીપીએસ (નશીલી દવાઓ અને માદક દ્રવ્યો)ના કિસ્સામાં સરકારી કર્મચારીઓને જ પંચ તરીકે નીમવાનો પરિપત્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે. જેથી કરીને નોકરીના જોખમે કોઈ સાક્ષી પોતાની સાહેદી બદલે તેવી શક્યતા ઓછી રહે. આ પ્રકારની આ મારી પહેલી ફરજ (ડ્યુટી) હતી એટલે પોલીસ અધિકારીઓએ જરૂરી દિશા-નિર્દેશ આપી પંચ તરીકે જરૂરી મારી વ્યક્તિગત માહિતી એમના નમૂનાપત્રકોમાં ભરી લીધી. પોલીસ ઇન્સ્પેક્ટર, ફરિયાદી પોલીસ અધિકારી, પોલીસ રાઈટર અને બીજા જરૂરી સ્ટાફ સાથે અમારો કાફલો ઘટનાસ્થળ પર ગયો. શંકાસ્પદ ઈસમની પાસેથી મળી આવેલા સંદિગ્ધ નમૂનાની ચકાસણી માટે ફોરેન્સિક વિભાગના અધિકારી તેડાવવામાં આવ્યા. એમણે નમૂનાની સ્થળખરાઈ કરી, મળી આવેલ પદાર્થ મારીજુઆના અર્થાત્ સાદી ભાષામાં ગાંજો હોવાનું જણાવ્યું. ઘટનાસ્થળે વીજળીની વ્યવસ્થા ન હોવાથી આરોપીને મુદ્દામાલ સહિત પોલીસ કચેરીમાં લાવવામાં આવ્યો જ્યાં ઝડપાયેલા માદક પદાર્થનું સોનીના ત્રાજવાથી વજન કરી તેની નોંધ વેપારી પાસેથી તેના બીલ ઉપર લેવામાં આવી. આખી કાયદાકીય પ્રક્રિયા લગભગ રાતના નવ વાગે પૂરી થતાં અમને છૂટાં કરવામાં આવ્યા.

બસ, પછીના પંદર દિવસ કમ્યૂટરની તાલીમમાં ગયા. મજાની વાત એ છે કે સરકાર તરફથી કર્મચારીઓના અપડેશન માટે અપાતી આ તાલીમમાં હજુ વિન્ડોઝ ૨૦૦૩ શીખવવામાં આવે છે. (એ પણ છેક ૨૦૨૧માં :))

લગભગ દોઢ વર્ષના અંતરાલ પછી બાળકોની શાળાઓ ખોલવામાં આવી છે. જોકે, મેં હજુ થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી છે. જેનો સીધો લાભ બાળકોને મળી રહ્યો છે. અને વળી પાછું ઓમિક્રોન નામના નવા મ્યુટન્ટ વાયરસના કિસ્સા સંભળાઈ રહ્યા છે. હરિ ઈચ્છા બલિયસી…

Posted in Diary

રોજનીશી – ૧

દોઢ વર્ષ પૂર્વે જ્યારે બ્લોગ લખવાની શરૂઆત કરેલી ત્યારે વિચાર્યું નહોતું કે મહિનાની એક પોસ્ટ લખવામાં પણ ફાંફાં પડી જશે. મનમાં એક વહેમ ભરાઈ ગયેલો કે હું સારું લખી શકું છું. હવે થોડો અંદાજ આવે છે કે કેટલા વીસે સો થાય. જોકે બ્લોગ શરૂ કરવા પાછળનો એક આશય એ પણ હતો કે હું નવા નવા વિષયો લઈને પોતાની જાતને જ લખવા માટે એક પડકાર ફેંકી શકું. હાલ પૂરતું તો એ પડકારને ધાર્યા પરિણામોમાં ફેરવી શક્યો નથી. જુલાઈ માસમાં મુંબઈ સમાચારની બસોમી વર્ષગાંઠની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે યોજાયેલી એક નિબંધસ્પર્ધામાં ભાગ લેવાનું વિચારેલું. “આજના વર્તમાનપત્ર પાસે મારી અપેક્ષા” એવા જ કોઈ ભાવવાળા વિષય પર લખવાનું હતું. એ સમયગાળામાં જ હું ‘પત્રકારત્વના પ્રવાહો: ગઈકાલ, આજ અને આવતીકાલ ભાગ ૧’ વાંચી રહ્યો હતો. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ અને તેના વિવિધ તબક્કાઓ પર ઘણા સરસ લેખોનું એ સંપાદન હતું. અલબત, એ પુસ્તક અને નિબંધ બન્ને અધૂરા જ છૂટી ગયા. એટલે એમ સમજો કે એક સંભવિત પોસ્ટનું બાળમરણ થઈ ગયું. ઓગસ્ટમાં વિકિપીડિયા પરની ફોટોગ્રાફી સ્પર્ધા માટે ચાંપાનેરનો પ્રવાસ કર્યો. મનમાં હતું કે થોડા સારા ફોટોગ્રાફ્સ પસંદ કરીને ટ્રાવેલ ફોટોગ્રાફી વિષયની એક પોસ્ટ લખીશ. પણ પછી મૂડ અને સમય અવકાશ બન્નેનો આંકડો બરાબર બેઠો નહિ અને છેવટે એ પણ પડતું મૂક્યું. ઓક્ટોબર માટે પણ લગભગ આવો જ ઘાટ હતો. છેવટ સુધી વિચારી રાખેલું કે વડોદરા ટપાલ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્તરીય ટપાલ ટિકિટ પ્રદર્શન માટેની મારી પ્રવિષ્ટી અહીં મૂકી દઈશ પણ…  બસ આમ જ જાતને આગળ હડસેલો મારવાને બદલે પાછળ ધકેલતો જાઉં છું. થોડોક પ્રયાસ કર્યો હોત તો આવતા મહિને દિવાળી નિમિત્તે જૂના દિવાળી કાર્ડ સંબંધિત એક નાનકડી પોસ્ટ પણ મૂકી શકાઈ હોત પણ… રે આળસ !

Posted in Poetry

અવશેષ

ગાદલાં પર
ચડાવેલા
જૂની સાડીઓના
ગલેફ
માએ
બાળપણમાં
લડાવેલા લાડના
મૂક સાક્ષી

Posted in Poetry

દંભ

શ્વાનયુગલને
મૈથુનરત જોતાંજ
ઉગામેલી લાકડી
દઝાડતી રહી
મારી પીઠને
આખી રાત.

Posted in Letters

પરબીડિયું

પ્રિય જય,
વર્ષગાંઠની શુભેચ્છાઓ.

આમ તો પત્રો લખવાનું ચલણ હવે રહ્યું નથી પણ તારા નવા સરનામે સાદી ટપાલ પહોંચે છે કે કેમ એના પ્રયોગરૂપે એક પરબીડિયું મોકલવાનું જ છે, તો સાવે કોરો કાગળ તો કેમે મોકલું! શાળામાં પત્રલેખનના વિષયો અલગ રહેતા. ઘરેથી સગા-સ્નેહીઓને લખેલા કે મળેલા પત્રોની ભાષા પણ અલગ રહેતી. પ્રતિ/પ્રિય/મુરબ્બી એવા લાગતા વળગતા સંબોધનો પછી કુશળ હશો/છીએ… મોજે ગામ ફલાણા-ઢીંકણાથી ક…ખ…ગ… ના જય શ્રીકૃષ્ણ વાંચશો… કે મુકામ અ…બ…ક…થી આપને હરઘડી યાદ કરનાર… અને પછી પત્ર લખવા પાછળની વાત મૂકાતી. છેલ્લે ફરી એક બીબાઢાળ લખાણ હોય કે; તબિયત સાચવજો, નાનકાને યાદ, પત્ર મળ્યે વળતી ટપાલ લખજો. લિ. …… ૧૫ પૈસાના પોસ્ટકાર્ડથી લઈને ૨ રૂપિયા સુધીના અંતરદેશીય સુધીની પ્રત્યાયનની એક અલગ જ રીત હતી. હવે તો એ આખી દુનિયા જ ગરક થઈ ગઈ છે. તું જ યાદ કરને તને આવો કોઈ પત્ર છેલ્લે ક્યારે મળેલો? વિજ્ઞાને આપણી ઘણી બધી કલાઓ, હુન્નર, પરંપરાઓને જાણે કે ટૂંપો જ દઈ દીધો છે.

પ્રયત્ન કરી જોજે. કોઈવાર શ્રેયને, ભાભીને કે પોતાની જાતને જ પત્ર લખી જોજે. તું અનુભવીશ કે વાતચીત થી કે ચર્ચા-સંવાદથી થતી રજૂઆતો કરતાં પત્ર પૂરી મોકળાશથી તારી વાત મૂકી દેશે.

દોસ્ત, આજકાલ ઘણીવાર તારી આંખોમાં અવસાદ તરી આવે છે. હું જોઉં છું કે એવી કોઈપણ વાત જે તને તારા પિતાની સ્મૃતિ તરફ દોરી જાય છે, એ તારી આંખો પર આંસુઓની એક ભીની પરત ભરી દે છે. હું જાણું છું કે તારા ‘જી’ સાથેનો તારો ભાવાત્મક લગાવ કેટલો બધો ઊંડો હતો. એ જ્યારે પણ વડોદરા આવતા, તું હંમેશાં મોડી રાત સુધી એમના જોડે વાતો કર્યા કરતો. આમેય તું એમનું સૌથી નાનકું સંતાન રહેલો એટલે એમનો પ્રેમ પણ તારા ઉપર સવિશેષ જ રહ્યો. એમના જવાથી તારી ભીતર પડેલો અવકાશ/ખાલીપો હું સ્પષ્ટ જોઈ શકું છું. પણ, મારી પાસે આશ્વાસનના શબ્દો જ નથી. હું તારા ખભે હાથ મૂકીને તને રડવા દઈ શકું છું. દોસ્ત, કોરોના સંક્રમણની વિભીષિકાને લીધે તારા ઘરે આવીને દિલસોજી પાઠવવાનું સૌજન્ય પણ અમે દાખવી શક્યા નથી એ બદલ દિલગીર છું. બની શકે તો એક પત્ર તારા સ્મૃતિશેષ પિતાને જ લખી જોજે.

લિ. વિજય

Posted in Books I Love to Read

જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી

શરીફા વીજળીવાળા. ગુજરાતી ભાષાના એક જાણીતા વિવેચક, સંપાદક અને અનુવાદક. કૃતિઓની પસંદગી અને અનુવાદની ગુણવત્તા એમને મારા પ્રિય લેખકોના ખાનામાં મૂકે છે. એમના ભારત વિભાજન સંબંધિત વાર્તાઓ, નવલકથાઓના અનુવાદ, સંપાદનો મને આકર્ષે છે. આજે જે કૃતિની વાત કરી રહ્યો છું તે મૂળ અસગર વજાહત દ્વારા હિન્દીમાં લખાયેલા નાટક “જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ”નો શરીફાબેન દ્વારા કરાયેલો ગુજરાતી અનુવાદ છે.

લગભગ એક જ બેઠકમાં પૂરુ કરી શકાય એવા આ નાટકની પુસ્તકે સ્વરૂપે કેટલીક મર્યાદાઓ છે. મૂળભૂત રીતે નાટક એ દૃશ્યકલા છે, જેમાં મંચ, પડદા, પ્રકાશ, કલાકારોના હાવભાવ અને પાર્શ્વસંગીત મોટો ભાગ ભજવે છે. એ દૃષ્ટિએ આ નાટ્યપુસ્તક એ સંવાદોનું સંકલન માત્ર છે. પરંતુ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખિકાએ સ્પષ્ટ કરેલી નાટ્યવાર્તાની વિભાવના વાચકને આ નાટકના આંતરસત્ત્વથી, હાર્દથી વાકેફ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આઝાદીના ૪૩ વર્ષ બાદ ૧૯૯૦માં લખાયેલું આ નાટક સૌ પ્રથમ તખ્તાના જાણીતા કલાકાર હબીબ તનવર દ્વારા ભજવાયું. દેશ વિદેશમાં તેના ૫૦૦થી વધુ ખેલ ભજવાયા છે, જે નાટકની સફળતાની સાહેદી પૂરે છે.

નાટકની વાર્તા સાવ સીધી સાદી છે. ૧૯૪૭નો પરિવેશ છે. આઝાદીની સમાંતરે જ હિંદના ભાગલા થતાં મૂળ લખનૌનો એક મુસ્લિમ પરિવાર નવા બનેલા પાકિસ્તાનના લાહૌરમાં જઈ વસે છે. શરૂઆતમાં રાહત છાવણીમાં રહેતા સૈયદ મિર્ઝાના આ પરિવારને લાહૌરના એક હિન્દુ વેપારીની વિશાળ હવેલી ફાળવવામાં આવે છે. અહીંથી જ વાર્તા વળાંક લે છે. જે વિશાળ હવેલી સૈયદ મિર્ઝાના પરિવારને ફાળવવામાં આવેલી એ હવેલીમાં એક વૃદ્ધા રહેતી હોવાની તેમને જાણ છે. પૂછપરછ કરતાં માલૂમ થાય છે કે તે હવેલીના મૂળ માલિક રતન ઝવેરીની મા છે. મિર્ઝા તેમને હવેલી છોડી ભારત ચાલ્યા જવાનું કહે છે પરંતુ વૃદ્ધા પોતાની હવેલી છોડવા તૈયાર નથી. બેગમની સલાહથી મિર્ઝા હવેલી ફાળવનાર અધિકારીને મળીને પરિસ્થિતિ સમજાવે છે. અધિકારી મિર્ઝાને મળેલી હવેલી પાછી લઈ નવું મકાન ફાળવવા કહે છે. રાહત છાવણીઓમાં વીતાવેલો સમય નજર સમક્ષ આવતાં મિર્ઝા એ કાયદાકીય આંટીઘૂંટીને નકારી પોતાની મેળે જ એ વૃદ્ધાને ઘર બહાર કરવાની તૈયારીઓ કરે છે. સમજાવટથી વાત ન પતતાં મિર્ઝા આખી વાતનો દોર મહોલ્લાના પહેલવાન પાસે લઈ જાય છે. પહેલાંથી જ હવેલી પર ડોળો રાખીને બેઠેલો પહેલવાન તેમાં હવેલી હડપ કરવાની તક જુએ છે.

બીજી તરફ એ વૃદ્ધા એના મમતાભર્યા સ્વભાવથી ન કેવળ મિર્ઝા પરિવારની જ પરંતુ આખા મહોલ્લાની ‘માઈ’ બની જાય છે. એક સમયે વૃદ્ધાને ઘરબહાર કરવાની પેરવીઓ કરતા મિર્ઝા હવે તેમના સંરક્ષક બની ઊભા રહે છે. વિભાજન બાદ ધાર્મિક ધૃવીકરણથી મુસ્લિમ બની બેઠેલા લાહૌરમાં આ વૃદ્ધા દિવાળી ઉજવે છે. હાથમાંથી ગયેલી હવેલીની ખીજ ઉતારવા પહેલવાન મહોલ્લાના લોકોને સગવડિયા ધર્મની ઝાંખી કરાવી, ધર્મના, ધર્મગ્રંથના મનઘડંત ઉપદેશો સમજાવી કાફર વૃદ્ધાને હવેલી, શહેર અને દેશ બહાર ધકેલી દેવાની ઉશ્કેરણી કરે છે. પણ તેની આ દલીલો ન તો મિર્ઝા પરિવાર પર કે ન તો મહોલ્લાના કોઇ મુસલમાનના ઇમાન કે નિયત ઉપર અસર કરે છે. ઉલટાનું મૌલવી એની સંકીર્ણ ધર્મ વ્યાખ્યાઓને ફગાવી માનવીય ધર્મ વિશે સમજાવે છે. વાર્તાનો અંત નાટકની સફળતાનો મોટો આધાર બની રહે છે. માઈ – રતનની માનું અવસાન થઈ જાય છે અને લાહૌરનો એ આખો મહોલ્લો શોકાતૂર બની જાય છે. વૃદ્ધાની અંતિમવિધિનો પ્રશ્ન સર્જાય છે. એની અંતિમવિધિ કરવી કેવી રીતે? ભારતથી આવેલા એ તમામ મુસલમાનો પોતે જોયેલી હિન્દુ વિધિઓ યાદ કરીને એ વૃદ્ધાને તેના ધર્મ અનુસાર અંતિમવિદાય આપવાની તૈયારી કરે છે. ‘રામ નામ સત હૈ, યહી તુમારી ગત હૈ’નું ઉચ્ચારણ કરતાં કરતાં વૃદ્ધાના રાવી નદીના કિનારે અંતિમસંસ્કાર કરે છે. આ ઘટનાઓથી વિચલિત થતો ધર્મની સંકીર્ણ માનસિકતાવાળો પહેલવાન વિધર્મી વૃદ્ધા માટે, એના અંતિમસંસ્કાર માટે અહોભાવથી ટોળે વળેલાં પોતાના બિરાદરોને જોઈ ઉશ્કેરાય છે. હવેલી ખોયાનો વસવસો અને વિધર્મીને અપાતું માન તેનાથી સાંખી શકાતું નથી અને તે ધર્મની સાચી વિભાવનાને સમજનારા-સમજાવનારા મૌલવીની મસ્જિદ મધ્યે હત્યા કરી નાખે છે.

અહીં દેશના ભાગલામાંથી સર્જાયેલી એક ઘટનાને બહુ કલાત્મક રીતે રજૂ કરાઈ છે. લાહૌર એક શહેર મટીને મારા/તમારા આપણા સૌના વતનનું પ્રતિક બની જાય છે. વર્ષોથી સાથે રહેતી બે કોમો પરસ્પર વૈમનસ્યતાની સંકીર્ણ રાજનીતિ અને અધકચરી ધર્માંધતાનો હાથો બની ગઈ છે ત્યારે આ નાટક ગંગા-જમના તહેજીબની મશાલ/દિવાદાંડી બની રહે છે. અહીં માઈ, મિર્ઝા અને મૌલવી સહિતનો આખો મહોલ્લો સહિષ્ણુતા અને સૌહાર્દના પ્રતિક બની જાય છે. આપણા સૌના જન્મ પહેલા બની ગયેલા એ કરુણાંતિક ઇતિહાસ (વિભાજન)ને આપણે મિટાવી તો નથી શકતા પણ લેખક આ નાટક દ્વારા આપણને જે કહેવા માંગે છે એને સમજી લઈએ તો પણ આપણા દેશની દુઃખતી રગ બની બેઠેલા સામાજીક/ધાર્મિક કર્કરોગને આપણે હંફાવી શકીશું.

Posted in Poetry

પ્રેમમાં હોતા નથી કાયમ કિનારા…

આંખમાં આંસુ ભર્યા ને હોઠ પર છે સ્મિત પણ;
કંઠમાં ડુસકું દબાયું ને ગળામાં ગીત પણ.
શ્વાસ ને ધબકારની સંડોવણી કાયમ રહી;
એ વિના શોધી રહ્યો છું જિંદગીની રીત પણ.
સ્વપ્ન મારી આંખમાં ખટકી રહ્યું છે જો મને;
ભૂલ મારી એટલી મેં સંઘર્યો અતીત પણ.
બંધ ઘરને પૂછ ના તું કોઈપણ સ્વજન વિશે;
આંગણાની સાથ રડશે બારણા ને ભીંત પણ.
પ્રેમમાં હોતા નથી કાયમ કિનારા – હા, વિજય
હોય છે કોઈ પળે ડૂબી જવામાં જીત પણ.

Posted in Letters

A Latter to Collage Friends

Dear Friends,

It was 26th of April when I wish to write but couldn’t get much time and mood. I choose the date because it was a date of milestone from we farewelled our college. Today my heart is assembling such memoirs of our togetherness.

In every one’s life, time comes when the heart spreads the wings to fly and ohh! what a luck of mine to share that era of college days with you. It was destiny that one has to spend and we too. we are spreaded on mother earth with a quite far distance but the feel og intimate relations still breathing.

Friends, As you NRIs are living in different countries, I don’t know weather it will possible in future to meet as a whole unit. Though my heart is nurturing a tiny wish to photograph (a group photo) wrinkles of time on our faces.

Vijay

Posted in Poetry

હું સપનાઓનો સાગર છું…

હું સપનાઓનો સાગર છું; તું આવ લઈને નીંદરને,
આ પ્રેમની વાતો સમજી જો; પંખી માગે છે પીંજરને.
હૈયામાં ઢબૂરી બેઠો છું; હું રાત એક સન્નાટાની,
તું લાગણીઓને સ્પર્શી જો; ચિનગારી માંગે ઇંધણને.
સાવ કોરા કાગળની માંહે; અક્ષર અક્ષર રમવું શું ?
દાવ તને સોંપું છું જા; બે પગલાં દઈ દે લીંપણને.

Posted in Poetry

મુક્તક – ૧

ઉદાસી રાત છે ને હું, વધુ તું વાત ના કર,
નવા સંબંધની મારા થકી શરૂઆત ના કર;
મિલાવી ના શકું હું આંખ મારી જાત સાથે,
ગુનાહોની તું એવી રીતથી કબૂલાત ના કર.