પ્રાંજલ
એક શબ્દ હતો પહેલાં
હવે નામ છે
મારી દીકરીનું
એનું નામ શોધવા
ઘણી મથામણ કરી
શબ્દકોષો ઉલેચ્યા
મિત્રોએ સૂચનો મોકલ્યા
ઈન્ટરનેટ પર ખોળી જોયું
નામ — એક ઓળખ
જે જીવનભર ચીટકી રહે છે
મર્યા પછી પણ—
રાશિ પ્રમાણે
નક્ષત્ર પ્રમાણે
બે અક્ષરના, ત્રણ અક્ષરના
ચાર અક્ષરના
પ–ઠ–ણ કન્યા રાશિ છે
“પ” સિવાય છૂટકો નથી
પ્રેયા, પ્રિન્સી, પ્રિચા
બહુ સરસ છે
અત્યારે એ જ ચાલે છે
પણ મેં
“પ્રાંજલ” રાખી દીધું
બોલવા સાંભળવામાં નવું લાગે છે
અઘરું લાગે છે.
પછી બધા ટેવાઈ જશે
બોલશે – સાંભળશે
એ નામની વાતોયે કરશે
કદાચ આમ જ
જળવાતો જશે
મારી ભાષાનો
ભૂંસાતો જતો – એક શબ્દ.
Category : Poetry