
આંખે પ્રતિક્ષા
અષાઢી બીજે, તારા
કંકુપગલાં
મૂળ તો આ પંક્તિઓ મારી દિકરી
તેના જન્મ પછી પહેલીવાર મારા ઘરે આવી ત્યારે લખાયેલી. યોગાનુયોગ એ દિવસે અષાઢી બીજ હતી એટલે વ્યાપક પરિપેક્ષમાં રથયાત્રા રૂપે નગરચર્યા માટે નીકળતા જગન્નાથને પણ એટલી જ લાગુ પાડી શકાય.
અષાઢી બીજે નીકળતી રથયાત્રાઓ માટે દેશભરમાં જગન્નાથ પુરી અને અમદાવાદ બન્ને સુપ્રસિદ્ધ છે. વડોદરા સ્થાયી થયા બાદ હવે રથયાત્રાની રજા નથી મળતી. શાળા-કૉલેજના દિવસોમાં તો અમદાવાદ અને તેની ઉફરે ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ સ્થાનિક રજા રહેતી. એ વખતે રથયાત્રામાં સામેલ થવાનું તો બન્યું નો’તું પણ મોટી મજા એક જ દિવસે બે ફિલ્લમ જોવાની મળતી.
સામાન્ય દિવસોમાં દૂરદર્શન પર શુક્ર-શનિ વારે મોડી રાતે અને રવિવારે સાંજના ગુજરાતી ચિત્રપટ જોવા મળતું. એમાંયે હિન્દી ફિલ્મો રાત્રે બહુ મોડી ચાલુ થતી અને ફિલ્મ કરતાં જાહેરખબરોમાં વધુ સમય જતો. એવા દિવસોમાં એક જ દિવસે બે ફિલ્મો જોવાની બહુ મજા આવતી. વચ્ચે વચ્ચે રથયાત્રાનું જીવંત પ્રસારણ કે સંકલિત અંશો પણ પ્રસારીત થતા. મોટેભાગે ઉદ્ઘોષક તરીકે માધવ રામાનુજને સાંભળ્યાનું યાદ છે. સવારે થતી મંગળા આરતી અને મુખ્યમંત્રીના હસ્તે કરાતી પહિંદ વિધિ, કૃષ્ણ-બલરામ-સુભદ્રાની નગરચર્યા, મોસાળું, વિવિધ અખાડાઓના અંગકસરતના દાવ, મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાના સ્વાગત દૃશ્યો દર્શાવાતા.





ફોટોગ્રાફીના શોખને કારણે એકવાર રથયાત્રા નિહાળવાનો લાભ મળેલો. ઉપરના ફોટોગ્રાફ્સ ૨૦૧૭ની રથયાત્રાના છે. ખેર, આ વર્ષે તો કોરોના મહામારીને કારણે કદાચ દોઢ દશકમાં પહેલીવાર ભગવાનને તેમની નગરચર્યા ફિક્કી લાગશે. (કે’વાય નહી, આ તો અમદાવાદ છે ભાઈ !)