
આજે ૨૧ જુલાઈ. ઉમાશંકર જોશીનો જન્મ દિવસ. સીધી રીતે તો મારે ઉમાશંકર સાથે કોઈ નિસબત નથી પણ વાત નીકળી છે તો વાગોળી લઉં આ બર્થ ડે બૉય સાથેના અલપઝલપ સંસ્મરણો…
એ દિવસોમાં જ્યારે ગામની શાળામાં ઓરડા ઓછા પડતા ત્યારે વર્ગખંડ ઝાડ નીચે જ ચાલતો. થડ સાથે અઢેલું કાળું પાટિયું, વર્ગશિક્ષકની ખુરશી અને આસન વગર ઝાડના છાંયે ખુલ્લા મેદાનમાં બેઠેલા બાળકો. હું સાતમા ધોરણનો વિદ્યાર્થી. શાળા છૂટ્યા પહેલાં શિક્ષક આંક-ઘડિયા ને કવિતાઓ મોટેથી ગવડાવે. મને યાદ છે, એક વેળા અમે “ગુજરાત મોરી મોરી રે…” કવિતા આઠ-દસ વાર ઊંચા રાગડે સહાધ્યાયી સખા-સખીઓ સાથે ગુંજાવી દીધેલી. પુસ્તકમાં કવિનો પરિચય પણ હોય. સાબરકાંઠા જિલ્લાના બામણા ગામના વતની તરીકે ઉલ્લેખ એટલે ઓર ઉમળકો. ઉ.જો. સાથેનો એ પહેલો પરિચય.
હાઈસ્કૂલમાં ગયા પછી અમારે વર્ષના બે પ્રવાસ આવતા. એક સ્થાનિક અને બીજો બહારગામનો પ્રવાસ. સ્થાનિક પ્રવાસ ગામની પડખેના ડુંગરમાં વનભોજન તરીકેનો રહેતો. બહારનો પ્રવાસ પણ દર વર્ષે એક જ સ્થળે નક્કી. મારું ગામ તે વખતના ભિલોડા તાલુકાનું રાજેન્દ્રનગર. ગામની પડખેની અરવલ્લીની ગિરીમાળા ઓળંગો એટલે આડા હાથરોલ પાસે જલારામના મંદિરવાળું ધૂળેટા ગામ અમારા બહારના પ્રવાસનું સ્થળ. પ્રવાસ પગપાળા જ હોય. ડુંગર વચ્ચેથી પસાર થતા ડામરના રસ્તે બધા નીકળી પડે ચાલતા. રસ્તે ઝરણાં મળ્યાં તો પાણી પીધું, વડલા મળ્યા તો શાખે ઝૂલ્યાં ને ભૂખ લાગી તો ફળો ચાખ્યાં. વચ્ચે આદિવાસીઓના પાંચ સાત ઝૂંપડા આવતા. ત્યાં સૂર્યલાઈટ આવેલી એટલે વિજ્ઞાન શિક્ષક અમને તે બતાવવા લઈ જતા. ચાલતાં ચાલતાં ડુંગરની ટોચ આવે પછી ઉતરાણ ચાલું થાય. ડુંગરની ટોચ પરથી દૂર દૂર સુધી વિશાળ ક્ષિતિજોમાં વિસ્તરેલાં અફાટ મેદાન જેવાં ખેતરો અને ગામ નજરે પડતાં. અહીંથી જ એક મોટું જળાશય દેખાતું, અમે બધાં એને ડૅમ કહેતાં. આ ડૅમ એટલે બામણા ગામ. અને ફરી મારા માનસમાં છવાતા ઉમાશંકર. પિતાજીના મોંઢે ગણગણાતી ઉ.જો.ની એ પંક્તિઓ : “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…” મન ઘેરી લેતી. ડુંગર વળોટ્યાનો થાક, પ્રવાસનો આનંદ અને ઉમાશંકરના એ જ સંબંધના શબ્દો :
“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. ”
સાહિત્યરસિક તરીકે પણ ઉમાશંકરને વિધિવત વાંચ્યા નથી. પાઠ્યપુસ્તકની કવિતાઓથી વિશેષ અલપઝલપ સામયિકોમાં / સંકલનોમાં તેમના વિશે, તેમની રચનાઓ વિશે જાણેલું. મોટા બાપુજીના અવસાન સમયે હું દસમા ધોરણમાં. તેમના ફ્રેમ થયેલાં ફોટા નીચે બે પંક્તિઓ નજરે પડેલી. “કાળને તે કહીએ શું ? જરીકે નવ ચૂકિયો; પાંચે આંગળીઓથી અંગૂઠે વાઢ મૂકિયો.…” વર્ષો પછી અચાનક વાંચવામાં આવ્યું કે આ તો ઉમાશંકરના ‘નિશીથ’ની પંક્તિઓ. બક્ષીના લેખોમાં ઉમાશંકરના વિદેશી સાહિત્યની વિદ્વતા વિશે તથા એકાદ બે કાવ્યો અંગ્રેજીમાંથી સીધા ઉતારાના આક્ષેપ તરીકે વાંચેલા. ‘અરધી સદીની વાંચનયાત્રા’માં ઉ.જો.ની એ કવિતા સત્તા અને રાજતંત્ર સંદર્ભે ગમેલી. છેલ્લે અનંતે એને ભેટ સ્વરૂપે મોકલાયેલા પદ્ય માસિકનો પહેલો અંક વાંચવા માટે મોકલાવ્યો તેમાં એમની એક ઓછી જાણીતી રચનાનો આસ્વાદ હાથ લાગેલો.
છેલ્લે છેલ્લે, મારો ટપાલટિકિટનો સંદર્ભ. એક ડિલર જૂના પોસ્ટકાર્ડ વેચવા લાવેલા. કેન્સલેશન તારીખ અને ટપાલટિકિટના અવલોકન વચ્ચે મારી નજર પોસ્ટકાર્ડના વિષયવસ્તુ પર પડી. નીચે જુઓ, ઉ.જો.ના જ હસ્તાક્ષર
૧૫ સપ્ટેમ્બર ૧૯૫૩
સ્નેહાધીન ઉમાશંકર જોશી
અને હા, એક ઉમેરો. હિંંમતનગરમાં અમદાવાદ બાજુથી પ્રવેશો એટલે મોટો રેલવેનો પુલ આવે. રસ્તાની ડાબી બાજુ પુલ શરૂ થાય ત્યાં એક પાટીયા પર તેનું નામકરણ ટીંગાળેલું છે. “કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ” — ગુજરાતી ભાષાના કવિના નામ પાછળ બ્રીજ શબ્દ કઠે છે. સેતુ શબ્દ કદાચ વહીવટકર્તાઓના શબ્દકોશનો હિસ્સો નહી રહ્યો હોય. પણ મને કવિના સન્માન સાથે તેમનું અપમાન પણ ભાસ્યા કરે છે.
