ઝબકવું જ્યોત થઈ મારે; મહેકવું ફૂલ થઈ મારે,
ગગન ઘનઘોર ગર્ભેથી; ચમકવું ચાંદ થઈ મારે.
ધબકવું લાગણી નામે; હૃદયથી એક્એક્ નસમાં,
ઉછીના આંસુઓ લઈને; વહેંચવું દર્દને મારે.
નિરાશા ને હતાશામાં; નિઃસાસા સાવ ખાલી છે,
ભરીને જોમ જીવનમાં; ઉછળવું શ્વાસ થઈ મારે.
નથી કો એષણા હૈયે; હવે થાવું અમર કોને,
‘વિજય’ને હું સમર્પિત છું; નિખરવું નાશ થઈ મારે.