Posted in Diary

રોજનીશી – ૨

આજે મારી કમ્યૂટર તાલીમનો છેલ્લો દિવસ હતો. આવતીકાલે લેવાનારી પરીક્ષાની પૂર્વતૈયારી માટે સૌ તાલીમાર્થીઓને વહેલા છોડી મૂકાયા એટલે શાળાના દિવસોમાં ‘આખર તારીખે’ છેલ્લા બે તાસમાંથી મળતી રજા જેવી લાગણી થઈ આવી. ખેર, વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા ફરી એક માવઠાની આગાહી અપાઈ છે. અને હું પરીક્ષાની તૈયારીને બદલે આ બ્લોગ પોસ્ટ લખવા બેઠો છું.

નવેમ્બર મહિનાની શરૂઆત દિવાળીના તહેવારોથી થઈ. અલબત, મને દિવાળી બહુ ફિક્કી લાગી. પહેલાં જેવો ઉમંગ સદંતર ગે.હા. જણાયો. કદાચ ઉંમરની સાથે આવતું પરિવર્તન હશે કે પછી તહેવારોનું બદલાતું સ્વરૂપ ! હવે, બેસતા વર્ષે ઘરે આવનારા મિત્રો-સ્વજનો ઘટતા જાય છે. મોટાભાગના પરિવાર પ્રવાસ-પર્યટન અર્થે જુદાજુદા સ્થળે નીકળી પડતા હોય છે.

સાપ્તાહિક વેકેશન પછી ફરી ઓફિસમાં જોડાયો એ જ દિવસે મારે ‘નશીલી દવાઓ અને માદક દ્રવ્યો’ના એક કિસ્સામાં પંચ તરીકે હાજરી આપવાનું બન્યું. બાતમીના આધારે પોલીસે કરેલી રેઈડમાં સપ્લાયર તો ફરાર થઈ ગયો પણ એનો એક ગ્રાહક પોલીસના કબજામાં આવી ગયેલો. એની જડતી લેતાં એની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આવા કિસ્સાઓમાં પહેલાં સાક્ષી તરીકે કોઈ ત્રાહિત વ્યક્તિઓને રોકવામાં આવતી હતી પરંતુ અમુક કિસ્સાઓમાં જ્યારે આરોપી વગદાર કે માલમિલકતવાળો હોય ત્યારે ધાકધમકી કે લાલચ આપી ન્યાયાલયમાં સાક્ષીની જુબાની ફેરવી તોળાતી હોવાનું કૉર્ટની નજરમાં આવતાં એનડીપીએસ (નશીલી દવાઓ અને માદક દ્રવ્યો)ના કિસ્સામાં સરકારી કર્મચારીઓને જ પંચ તરીકે નીમવાનો પરિપત્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે. જેથી કરીને નોકરીના જોખમે કોઈ સાક્ષી પોતાની સાહેદી બદલે તેવી શક્યતા ઓછી રહે. આ પ્રકારની આ મારી પહેલી ફરજ (ડ્યુટી) હતી એટલે પોલીસ અધિકારીઓએ જરૂરી દિશા-નિર્દેશ આપી પંચ તરીકે જરૂરી મારી વ્યક્તિગત માહિતી એમના નમૂનાપત્રકોમાં ભરી લીધી. પોલીસ ઇન્સ્પેક્ટર, ફરિયાદી પોલીસ અધિકારી, પોલીસ રાઈટર અને બીજા જરૂરી સ્ટાફ સાથે અમારો કાફલો ઘટનાસ્થળ પર ગયો. શંકાસ્પદ ઈસમની પાસેથી મળી આવેલા સંદિગ્ધ નમૂનાની ચકાસણી માટે ફોરેન્સિક વિભાગના અધિકારી તેડાવવામાં આવ્યા. એમણે નમૂનાની સ્થળખરાઈ કરી, મળી આવેલ પદાર્થ મારીજુઆના અર્થાત્ સાદી ભાષામાં ગાંજો હોવાનું જણાવ્યું. ઘટનાસ્થળે વીજળીની વ્યવસ્થા ન હોવાથી આરોપીને મુદ્દામાલ સહિત પોલીસ કચેરીમાં લાવવામાં આવ્યો જ્યાં ઝડપાયેલા માદક પદાર્થનું સોનીના ત્રાજવાથી વજન કરી તેની નોંધ વેપારી પાસેથી તેના બીલ ઉપર લેવામાં આવી. આખી કાયદાકીય પ્રક્રિયા લગભગ રાતના નવ વાગે પૂરી થતાં અમને છૂટાં કરવામાં આવ્યા.

બસ, પછીના પંદર દિવસ કમ્યૂટરની તાલીમમાં ગયા. મજાની વાત એ છે કે સરકાર તરફથી કર્મચારીઓના અપડેશન માટે અપાતી આ તાલીમમાં હજુ વિન્ડોઝ ૨૦૦૩ શીખવવામાં આવે છે. (એ પણ છેક ૨૦૨૧માં :))

લગભગ દોઢ વર્ષના અંતરાલ પછી બાળકોની શાળાઓ ખોલવામાં આવી છે. જોકે, મેં હજુ થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી છે. જેનો સીધો લાભ બાળકોને મળી રહ્યો છે. અને વળી પાછું ઓમિક્રોન નામના નવા મ્યુટન્ટ વાયરસના કિસ્સા સંભળાઈ રહ્યા છે. હરિ ઈચ્છા બલિયસી…