કવાંટનો મેળો
મેળો. લોકરંજનની પરંપરા અને આનંદ-ઉત્સવની વિશિષ્ટ લોકપ્રવૃતિ. આજકાલ આ મેળો મોળો પડતો જણાય છે પણ સાવ એવુંયે નથી કે કાળના પ્રવાહમાં તણાઇ / ભૂલાઇ ગયો હોય. હજુ પણ દેશના નાના નાના ખૂણાઓમાં પોતાનુ પોત જાળવીને ધબકી રહ્યા છે આ મેળાઓ. આપણા ગુજરાતની જ વાત કરો ને ! તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, શામળાજીનો મેળો. આતો બહું જાણીતા નામો છે. આ સિવાય પૂનમે ઉજવાતા ધાર્મિક મેળાઓ, શિવરાત્રીના મેળાઓ, યાદી લંબાતી જશે.. આ વૈવિધ્યસભર નોખા- અનોખા મેળાઓ ની વચ્ચે આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ઉજવાતા ગેરના મેળાની.
હોળીના ત્રીજા દિવસે (ફાગણ વદ ત્રીજ) ઉજવાતો આ મેળો રાઠવા આદિવાસીઓ માટે અનેરું મહત્વ ધરાવે છે. ખેતરોમાંથી પાક લણાઇ ગયા પછી હળવાશના સમયની ઉજવણીરૂપે આ મેળામાં રાઠવા સ્ત્રી- પુરુષો તેમના પરંપરાગત વસ્ત્ર- પરિધાન અને આભૂષણોમાં ઊમટી પડે છે. સ્ત્રીઓ મોટેભાગે જુના રાણી સિક્કા જડિત લાંબા રૂપેરી ગળાહાર અને કૅડે કંદોરો પહેરી તેમના સમૂહ-જૂથની આગવી ઓળખ પ્રમાણે એક્સરખી બાંધણીમાં જોવા મળે છે. જોકે પુરુષોની વેશભૂષામાં ક્રમિક આધુનિકતા ઉમેરાઇ રહી છે. હોળીની ગોઠ ઊઘરાવતું ઘેરૈયાઓનું ટોળું એ ગેર ના મેળાની એક વિશિષ્ટ ખાસિયત છે. ઘેરૈયા બનતા પુરુષો ધોતી પહેરે છે. રાખ અને ચોખાના મિશ્રણની બનાવેલી લૂગદીથી ટપકાં અને કૂંડાળા જેવી ભાત આખા શરીર પર જોવા મળે છે. માથા પર મોરપિચ્છ્ની બનેલી મુકુટ જેવી પાઘડી પહેરે છે જેમાં ક્યારેક અરીસા પણ લગાવેલા હોય છે. કમર પર ઘૂઘરાના કમરપટ્ટા બાંધેલી આ ઘેરૈયાઓની ટોળી જ્યારે ઢોલ અને અન્ય વાદ્યો સાથે નાચતી ગાતી કવાંટ ની શેરીઓમાં ગોઠ માગવા નીકળે છે ત્યારે નાચગાન સાથે ભળતો ઘૂઘરાઓનો લયબધ્ધ અવાજ કાનમાં ગૂંજતો રહે છે. જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ આસપાસના વિસ્તારોમાંથી ઊમટી પડતું યૌવન શેરડીના સાંઠા લઇ દેકારા-તોબાટા મચાવતું , લયબધ્ધ ચિચિયારીઓ અને પિપૂડાના અવાજો વચ્ચે સામસામે હૈયે હૈયું દળાય તેમ કવાંટની શેરીઓને ઘમરોળી વળે છે. કહેવાય છે કે આ મેળો એ લગ્ન-ગોષ્ઠિ (match making) નો મેળો છે. ગમતા હૈયા પર હેતનો ગુલાલ ઉડાડી દેતી, સ્નેહની રંગ પિચકારી ભરી દેતી, ઉંમરના સોળમા ફાગણની યૌવન મસ્તીથી ઝંકૃત થઇ ઉઠતી કેટલીક ક્ષણો, કોઇ ગમતા હૈયાને ખોળતી આંખો, ક્યાંક ક્યાંક નજરે ચડી જાય છે. આધુનિકા ડૅટ પર નીકળે તેમ આ આદિવાસી કન્યાઓ અભિસારિકા બની જાય છે.
અને છેલ્લે, આપણી ભાષાની મેળા વિષયક કેટલીક શબ્દરચનાઓ જે લયબધ્ધ થઇ હ્રદયમાં ઊંડી ઊતરી ગઇ છે…..
૧). ના ના નહીં આવું મેળે નહી આવું મેળાનો મને થાક લાગે….
૨). હું તો ગઇ’તી, મેળે…
૩). માર તો મેળે જાવું સૈયર રાજુડીનો નૅડો લાગ્યો…
૪). મેળે મેળે મોરલિયું હેલે ચડી….
૫). મેળામાં આંખના ઊલાળા, મેળામાં ઝાંઝર ઝણકાર…
૬). હૈયે રાખી હૉમ મારે ચીતરવું સે નૉમ, મેળે ઝટ જઇએ…
Category : Article