Posted in Diary

રોજનીશી – ૨

આજે મારી કમ્યૂટર તાલીમનો છેલ્લો દિવસ હતો. આવતીકાલે લેવાનારી પરીક્ષાની પૂર્વતૈયારી માટે સૌ તાલીમાર્થીઓને વહેલા છોડી મૂકાયા એટલે શાળાના દિવસોમાં ‘આખર તારીખે’ છેલ્લા બે તાસમાંથી મળતી રજા જેવી લાગણી થઈ આવી. ખેર, વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા ફરી એક માવઠાની આગાહી અપાઈ છે. અને હું પરીક્ષાની તૈયારીને બદલે આ બ્લોગ પોસ્ટ લખવા બેઠો છું.

નવેમ્બર મહિનાની શરૂઆત દિવાળીના તહેવારોથી થઈ. અલબત, મને દિવાળી બહુ ફિક્કી લાગી. પહેલાં જેવો ઉમંગ સદંતર ગે.હા. જણાયો. કદાચ ઉંમરની સાથે આવતું પરિવર્તન હશે કે પછી તહેવારોનું બદલાતું સ્વરૂપ ! હવે, બેસતા વર્ષે ઘરે આવનારા મિત્રો-સ્વજનો ઘટતા જાય છે. મોટાભાગના પરિવાર પ્રવાસ-પર્યટન અર્થે જુદાજુદા સ્થળે નીકળી પડતા હોય છે.

સાપ્તાહિક વેકેશન પછી ફરી ઓફિસમાં જોડાયો એ જ દિવસે મારે ‘નશીલી દવાઓ અને માદક દ્રવ્યો’ના એક કિસ્સામાં પંચ તરીકે હાજરી આપવાનું બન્યું. બાતમીના આધારે પોલીસે કરેલી રેઈડમાં સપ્લાયર તો ફરાર થઈ ગયો પણ એનો એક ગ્રાહક પોલીસના કબજામાં આવી ગયેલો. એની જડતી લેતાં એની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આવા કિસ્સાઓમાં પહેલાં સાક્ષી તરીકે કોઈ ત્રાહિત વ્યક્તિઓને રોકવામાં આવતી હતી પરંતુ અમુક કિસ્સાઓમાં જ્યારે આરોપી વગદાર કે માલમિલકતવાળો હોય ત્યારે ધાકધમકી કે લાલચ આપી ન્યાયાલયમાં સાક્ષીની જુબાની ફેરવી તોળાતી હોવાનું કૉર્ટની નજરમાં આવતાં એનડીપીએસ (નશીલી દવાઓ અને માદક દ્રવ્યો)ના કિસ્સામાં સરકારી કર્મચારીઓને જ પંચ તરીકે નીમવાનો પરિપત્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે. જેથી કરીને નોકરીના જોખમે કોઈ સાક્ષી પોતાની સાહેદી બદલે તેવી શક્યતા ઓછી રહે. આ પ્રકારની આ મારી પહેલી ફરજ (ડ્યુટી) હતી એટલે પોલીસ અધિકારીઓએ જરૂરી દિશા-નિર્દેશ આપી પંચ તરીકે જરૂરી મારી વ્યક્તિગત માહિતી એમના નમૂનાપત્રકોમાં ભરી લીધી. પોલીસ ઇન્સ્પેક્ટર, ફરિયાદી પોલીસ અધિકારી, પોલીસ રાઈટર અને બીજા જરૂરી સ્ટાફ સાથે અમારો કાફલો ઘટનાસ્થળ પર ગયો. શંકાસ્પદ ઈસમની પાસેથી મળી આવેલા સંદિગ્ધ નમૂનાની ચકાસણી માટે ફોરેન્સિક વિભાગના અધિકારી તેડાવવામાં આવ્યા. એમણે નમૂનાની સ્થળખરાઈ કરી, મળી આવેલ પદાર્થ મારીજુઆના અર્થાત્ સાદી ભાષામાં ગાંજો હોવાનું જણાવ્યું. ઘટનાસ્થળે વીજળીની વ્યવસ્થા ન હોવાથી આરોપીને મુદ્દામાલ સહિત પોલીસ કચેરીમાં લાવવામાં આવ્યો જ્યાં ઝડપાયેલા માદક પદાર્થનું સોનીના ત્રાજવાથી વજન કરી તેની નોંધ વેપારી પાસેથી તેના બીલ ઉપર લેવામાં આવી. આખી કાયદાકીય પ્રક્રિયા લગભગ રાતના નવ વાગે પૂરી થતાં અમને છૂટાં કરવામાં આવ્યા.

બસ, પછીના પંદર દિવસ કમ્યૂટરની તાલીમમાં ગયા. મજાની વાત એ છે કે સરકાર તરફથી કર્મચારીઓના અપડેશન માટે અપાતી આ તાલીમમાં હજુ વિન્ડોઝ ૨૦૦૩ શીખવવામાં આવે છે. (એ પણ છેક ૨૦૨૧માં :))

લગભગ દોઢ વર્ષના અંતરાલ પછી બાળકોની શાળાઓ ખોલવામાં આવી છે. જોકે, મેં હજુ થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી છે. જેનો સીધો લાભ બાળકોને મળી રહ્યો છે. અને વળી પાછું ઓમિક્રોન નામના નવા મ્યુટન્ટ વાયરસના કિસ્સા સંભળાઈ રહ્યા છે. હરિ ઈચ્છા બલિયસી…

Posted in Diary

રોજનીશી – ૧

દોઢ વર્ષ પૂર્વે જ્યારે બ્લોગ લખવાની શરૂઆત કરેલી ત્યારે વિચાર્યું નહોતું કે મહિનાની એક પોસ્ટ લખવામાં પણ ફાંફાં પડી જશે. મનમાં એક વહેમ ભરાઈ ગયેલો કે હું સારું લખી શકું છું. હવે થોડો અંદાજ આવે છે કે કેટલા વીસે સો થાય. જોકે બ્લોગ શરૂ કરવા પાછળનો એક આશય એ પણ હતો કે હું નવા નવા વિષયો લઈને પોતાની જાતને જ લખવા માટે એક પડકાર ફેંકી શકું. હાલ પૂરતું તો એ પડકારને ધાર્યા પરિણામોમાં ફેરવી શક્યો નથી. જુલાઈ માસમાં મુંબઈ સમાચારની બસોમી વર્ષગાંઠની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે યોજાયેલી એક નિબંધસ્પર્ધામાં ભાગ લેવાનું વિચારેલું. “આજના વર્તમાનપત્ર પાસે મારી અપેક્ષા” એવા જ કોઈ ભાવવાળા વિષય પર લખવાનું હતું. એ સમયગાળામાં જ હું ‘પત્રકારત્વના પ્રવાહો: ગઈકાલ, આજ અને આવતીકાલ ભાગ ૧’ વાંચી રહ્યો હતો. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ અને તેના વિવિધ તબક્કાઓ પર ઘણા સરસ લેખોનું એ સંપાદન હતું. અલબત, એ પુસ્તક અને નિબંધ બન્ને અધૂરા જ છૂટી ગયા. એટલે એમ સમજો કે એક સંભવિત પોસ્ટનું બાળમરણ થઈ ગયું. ઓગસ્ટમાં વિકિપીડિયા પરની ફોટોગ્રાફી સ્પર્ધા માટે ચાંપાનેરનો પ્રવાસ કર્યો. મનમાં હતું કે થોડા સારા ફોટોગ્રાફ્સ પસંદ કરીને ટ્રાવેલ ફોટોગ્રાફી વિષયની એક પોસ્ટ લખીશ. પણ પછી મૂડ અને સમય અવકાશ બન્નેનો આંકડો બરાબર બેઠો નહિ અને છેવટે એ પણ પડતું મૂક્યું. ઓક્ટોબર માટે પણ લગભગ આવો જ ઘાટ હતો. છેવટ સુધી વિચારી રાખેલું કે વડોદરા ટપાલ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્તરીય ટપાલ ટિકિટ પ્રદર્શન માટેની મારી પ્રવિષ્ટી અહીં મૂકી દઈશ પણ…  બસ આમ જ જાતને આગળ હડસેલો મારવાને બદલે પાછળ ધકેલતો જાઉં છું. થોડોક પ્રયાસ કર્યો હોત તો આવતા મહિને દિવાળી નિમિત્તે જૂના દિવાળી કાર્ડ સંબંધિત એક નાનકડી પોસ્ટ પણ મૂકી શકાઈ હોત પણ… રે આળસ !

Posted in Diary

ઉમાશંકર અને હું

આજે ૨૧ જુલાઈ. ઉમાશંકર જોશીનો જન્મ દિવસ. સીધી રીતે તો મારે ઉમાશંકર સાથે કોઈ નિસબત નથી પણ વાત નીકળી છે તો વાગોળી લઉં આ બર્થ ડે બૉય સાથેના અલપઝલપ સંસ્મરણો…

એ દિવસોમાં જ્યારે ગામની શાળામાં ઓરડા ઓછા પડતા ત્યારે વર્ગખંડ ઝાડ નીચે જ ચાલતો. થડ સાથે અઢેલું કાળું પાટિયું, વર્ગશિક્ષકની ખુરશી અને આસન વગર ઝાડના છાંયે ખુલ્લા મેદાનમાં બેઠેલા બાળકો. હું સાતમા ધોરણનો વિદ્યાર્થી. શાળા છૂટ્યા પહેલાં શિક્ષક આંક-ઘડિયા ને કવિતાઓ મોટેથી ગવડાવે. મને યાદ છે, એક વેળા અમે “ગુજરાત મોરી મોરી રે…” કવિતા આઠ-દસ વાર ઊંચા રાગડે સહાધ્યાયી સખા-સખીઓ સાથે ગુંજાવી દીધેલી. પુસ્તકમાં કવિનો પરિચય પણ હોય. સાબરકાંઠા જિલ્લાના બામણા ગામના વતની તરીકે ઉલ્લેખ એટલે ઓર ઉમળકો. ઉ.જો. સાથેનો એ પહેલો પરિચય.

હાઈસ્કૂલમાં ગયા પછી અમારે વર્ષના બે પ્રવાસ આવતા. એક સ્થાનિક અને બીજો બહારગામનો પ્રવાસ. સ્થાનિક પ્રવાસ ગામની પડખેના ડુંગરમાં વનભોજન તરીકેનો રહેતો. બહારનો પ્રવાસ પણ દર વર્ષે એક જ સ્થળે નક્કી. મારું ગામ તે વખતના ભિલોડા તાલુકાનું રાજેન્દ્રનગર. ગામની પડખેની અરવલ્લીની ગિરીમાળા ઓળંગો એટલે આડા હાથરોલ પાસે જલારામના મંદિરવાળું ધૂળેટા ગામ અમારા બહારના પ્રવાસનું સ્થળ. પ્રવાસ પગપાળા જ હોય. ડુંગર વચ્ચેથી પસાર થતા ડામરના રસ્તે બધા નીકળી પડે ચાલતા. રસ્તે ઝરણાં મળ્યાં તો પાણી પીધું, વડલા મળ્યા તો શાખે ઝૂલ્યાં ને ભૂખ લાગી તો ફળો ચાખ્યાં. વચ્ચે આદિવાસીઓના પાંચ સાત ઝૂંપડા આવતા. ત્યાં સૂર્યલાઈટ આવેલી એટલે વિજ્ઞાન શિક્ષક અમને તે બતાવવા લઈ જતા. ચાલતાં ચાલતાં ડુંગરની ટોચ આવે પછી ઉતરાણ ચાલું થાય. ડુંગરની ટોચ પરથી દૂર દૂર સુધી વિશાળ ક્ષિતિજોમાં વિસ્તરેલાં અફાટ મેદાન જેવાં ખેતરો અને ગામ નજરે પડતાં. અહીંથી જ એક મોટું જળાશય દેખાતું, અમે બધાં એને ડૅમ કહેતાં. આ ડૅમ એટલે બામણા ગામ. અને ફરી મારા માનસમાં છવાતા ઉમાશંકર. પિતાજીના મોંઢે ગણગણાતી ઉ.જો.ની એ પંક્તિઓ : “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…” મન ઘેરી લેતી. ડુંગર વળોટ્યાનો થાક, પ્રવાસનો આનંદ અને ઉમાશંકરના એ જ સંબંધના શબ્દો :

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. ”

સાહિત્યરસિક તરીકે પણ ઉમાશંકરને વિધિવત વાંચ્યા નથી. પાઠ્યપુસ્તકની કવિતાઓથી વિશેષ અલપઝલપ સામયિકોમાં / સંકલનોમાં તેમના વિશે, તેમની રચનાઓ વિશે જાણેલું. મોટા બાપુજીના અવસાન સમયે હું દસમા ધોરણમાં. તેમના ફ્રેમ થયેલાં ફોટા નીચે બે પંક્તિઓ નજરે પડેલી. “કાળને તે કહીએ શું ? જરીકે નવ ચૂકિયો; પાંચે આંગળીઓથી અંગૂઠે વાઢ મૂકિયો.…” વર્ષો પછી અચાનક વાંચવામાં આવ્યું કે આ તો ઉમાશંકરના ‘નિશીથ’ની પંક્તિઓ. બક્ષીના લેખોમાં ઉમાશંકરના વિદેશી સાહિત્યની વિદ્વતા વિશે તથા એકાદ બે કાવ્યો અંગ્રેજીમાંથી સીધા ઉતારાના આક્ષેપ તરીકે વાંચેલા. ‘અરધી સદીની વાંચનયાત્રા’માં ઉ.જો.ની એ કવિતા સત્તા અને રાજતંત્ર સંદર્ભે ગમેલી. છેલ્લે અનંતે એને ભેટ સ્વરૂપે મોકલાયેલા પદ્ય માસિકનો પહેલો અંક વાંચવા માટે મોકલાવ્યો તેમાં એમની એક ઓછી જાણીતી રચનાનો આસ્વાદ હાથ લાગેલો.

છેલ્લે છેલ્લે, મારો ટપાલટિકિટનો સંદર્ભ. એક ડિલર જૂના પોસ્ટકાર્ડ વેચવા લાવેલા. કેન્સલેશન તારીખ અને ટપાલટિકિટના અવલોકન વચ્ચે મારી નજર પોસ્ટકાર્ડના વિષયવસ્તુ પર પડી. નીચે જુઓ, ઉ.જો.ના જ હસ્તાક્ષર

અને હા, એક ઉમેરો. હિંંમતનગરમાં અમદાવાદ બાજુથી પ્રવેશો એટલે મોટો રેલવેનો પુલ આવે. રસ્તાની ડાબી બાજુ પુલ શરૂ થાય ત્યાં એક પાટીયા પર તેનું નામકરણ ટીંગાળેલું છે. “કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ” — ગુજરાતી ભાષાના કવિના નામ પાછળ બ્રીજ શબ્દ કઠે છે. સેતુ શબ્દ કદાચ વહીવટકર્તાઓના શબ્દકોશનો હિસ્સો નહી રહ્યો હોય. પણ મને કવિના સન્માન સાથે તેમનું અપમાન પણ ભાસ્યા કરે છે.

ઉમાશંકર જોશી ઓવરબ્રીજ – હિંંમતનગર

Posted in Diary

રથયાત્રા

રથયાત્રાનું દ્રશ્ય દર્શાવતી ટપાલ ટિકિટ (૨૦૧૦)

આંખે પ્રતિક્ષા
અષાઢી બીજે, તારા
કંકુપગલાં

મૂળ તો આ પંક્તિઓ મારી દિકરી તેના જન્મ પછી પહેલીવાર મારા ઘરે આવી ત્યારે લખાયેલી. યોગાનુયોગ એ દિવસે અષાઢી બીજ હતી એટલે વ્યાપક પરિપેક્ષમાં રથયાત્રા રૂપે નગરચર્યા માટે નીકળતા જગન્નાથને પણ એટલી જ લાગુ પાડી શકાય.

અષાઢી બીજે નીકળતી રથયાત્રાઓ માટે દેશભરમાં જગન્નાથ પુરી અને અમદાવાદ બન્ને સુપ્રસિદ્ધ છે. વડોદરા સ્થાયી થયા બાદ હવે રથયાત્રાની રજા નથી મળતી. શાળા-કૉલેજના દિવસોમાં તો અમદાવાદ અને તેની ઉફરે ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ સ્થાનિક રજા રહેતી. એ વખતે રથયાત્રામાં સામેલ થવાનું તો બન્યું નો’તું પણ મોટી મજા એક જ દિવસે બે ફિલ્લમ જોવાની મળતી.

સામાન્ય દિવસોમાં દૂરદર્શન પર શુક્ર-શનિ વારે મોડી રાતે અને રવિવારે સાંજના ગુજરાતી ચિત્રપટ જોવા મળતું. એમાંયે હિન્દી ફિલ્મો રાત્રે બહુ મોડી ચાલુ થતી અને ફિલ્મ કરતાં જાહેરખબરોમાં વધુ સમય જતો. એવા દિવસોમાં એક જ દિવસે બે ફિલ્મો જોવાની બહુ મજા આવતી. વચ્ચે વચ્ચે રથયાત્રાનું જીવંત પ્રસારણ કે સંકલિત અંશો પણ પ્રસારીત થતા. મોટેભાગે ઉદ્‌ઘોષક તરીકે માધવ રામાનુજને સાંભળ્યાનું યાદ છે. સવારે થતી મંગળા આરતી અને મુખ્યમંત્રીના હસ્તે કરાતી પહિંદ વિધિ, કૃષ્ણ-બલરામ-સુભદ્રાની નગરચર્યા, મોસાળું, વિવિધ અખાડાઓના અંગકસરતના દાવ, મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાના સ્વાગત દૃશ્યો દર્શાવાતા.

ફોટોગ્રાફીના શોખને કારણે એકવાર રથયાત્રા નિહાળવાનો લાભ મળેલો. ઉપરના ફોટોગ્રાફ્સ ૨૦૧૭ની રથયાત્રાના છે. ખેર, આ વર્ષે તો કોરોના મહામારીને કારણે કદાચ દોઢ દશકમાં પહેલીવાર ભગવાનને તેમની નગરચર્યા ફિક્કી લાગશે. (કે’વાય નહી, આ તો અમદાવાદ છે ભાઈ !)