Posted in Letters

પરબીડિયું

પ્રિય જય,
વર્ષગાંઠની શુભેચ્છાઓ.

આમ તો પત્રો લખવાનું ચલણ હવે રહ્યું નથી પણ તારા નવા સરનામે સાદી ટપાલ પહોંચે છે કે કેમ એના પ્રયોગરૂપે એક પરબીડિયું મોકલવાનું જ છે, તો સાવે કોરો કાગળ તો કેમે મોકલું! શાળામાં પત્રલેખનના વિષયો અલગ રહેતા. ઘરેથી સગા-સ્નેહીઓને લખેલા કે મળેલા પત્રોની ભાષા પણ અલગ રહેતી. પ્રતિ/પ્રિય/મુરબ્બી એવા લાગતા વળગતા સંબોધનો પછી કુશળ હશો/છીએ… મોજે ગામ ફલાણા-ઢીંકણાથી ક…ખ…ગ… ના જય શ્રીકૃષ્ણ વાંચશો… કે મુકામ અ…બ…ક…થી આપને હરઘડી યાદ કરનાર… અને પછી પત્ર લખવા પાછળની વાત મૂકાતી. છેલ્લે ફરી એક બીબાઢાળ લખાણ હોય કે; તબિયત સાચવજો, નાનકાને યાદ, પત્ર મળ્યે વળતી ટપાલ લખજો. લિ. …… ૧૫ પૈસાના પોસ્ટકાર્ડથી લઈને ૨ રૂપિયા સુધીના અંતરદેશીય સુધીની પ્રત્યાયનની એક અલગ જ રીત હતી. હવે તો એ આખી દુનિયા જ ગરક થઈ ગઈ છે. તું જ યાદ કરને તને આવો કોઈ પત્ર છેલ્લે ક્યારે મળેલો? વિજ્ઞાને આપણી ઘણી બધી કલાઓ, હુન્નર, પરંપરાઓને જાણે કે ટૂંપો જ દઈ દીધો છે.

પ્રયત્ન કરી જોજે. કોઈવાર શ્રેયને, ભાભીને કે પોતાની જાતને જ પત્ર લખી જોજે. તું અનુભવીશ કે વાતચીત થી કે ચર્ચા-સંવાદથી થતી રજૂઆતો કરતાં પત્ર પૂરી મોકળાશથી તારી વાત મૂકી દેશે.

દોસ્ત, આજકાલ ઘણીવાર તારી આંખોમાં અવસાદ તરી આવે છે. હું જોઉં છું કે એવી કોઈપણ વાત જે તને તારા પિતાની સ્મૃતિ તરફ દોરી જાય છે, એ તારી આંખો પર આંસુઓની એક ભીની પરત ભરી દે છે. હું જાણું છું કે તારા ‘જી’ સાથેનો તારો ભાવાત્મક લગાવ કેટલો બધો ઊંડો હતો. એ જ્યારે પણ વડોદરા આવતા, તું હંમેશાં મોડી રાત સુધી એમના જોડે વાતો કર્યા કરતો. આમેય તું એમનું સૌથી નાનકું સંતાન રહેલો એટલે એમનો પ્રેમ પણ તારા ઉપર સવિશેષ જ રહ્યો. એમના જવાથી તારી ભીતર પડેલો અવકાશ/ખાલીપો હું સ્પષ્ટ જોઈ શકું છું. પણ, મારી પાસે આશ્વાસનના શબ્દો જ નથી. હું તારા ખભે હાથ મૂકીને તને રડવા દઈ શકું છું. દોસ્ત, કોરોના સંક્રમણની વિભીષિકાને લીધે તારા ઘરે આવીને દિલસોજી પાઠવવાનું સૌજન્ય પણ અમે દાખવી શક્યા નથી એ બદલ દિલગીર છું. બની શકે તો એક પત્ર તારા સ્મૃતિશેષ પિતાને જ લખી જોજે.

લિ. વિજય

Posted in Letters

A Latter to Collage Friends

Dear Friends,

It was 26th of April when I wish to write but couldn’t get much time and mood. I choose the date because it was a date of milestone from we farewelled our college. Today my heart is assembling such memoirs of our togetherness.

In every one’s life, time comes when the heart spreads the wings to fly and ohh! what a luck of mine to share that era of college days with you. It was destiny that one has to spend and we too. we are spreaded on mother earth with a quite far distance but the feel og intimate relations still breathing.

Friends, As you NRIs are living in different countries, I don’t know weather it will possible in future to meet as a whole unit. Though my heart is nurturing a tiny wish to photograph (a group photo) wrinkles of time on our faces.

Vijay

Posted in Letters

પ્રિય બાપુ

તા. ૦૨/૧૦/૨૦૧૯
બુધવાર

પ્રિય બાપુ,
આપની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા સહ ચરણસ્પર્શ. સ્વાભાવિક છે કે આપણો પરિચય એકલપક્ષીય છે. આમ છતાં, રાષ્ટ્રનિર્માણમાં આપની ભૂમિકા અને તેની પશ્ચાદ અસરોનો મારા પર પડેલો પ્રભાવ મને આ પત્ર લખવા પ્રેરી રહ્યા છે.

તમારી સાથેનો પહેલો પરિચય ત્રીજા-ચોથા ધોરણના એ પાઠથી થયેલો જેમાં તમે દાતણ કરવા માટે એક નાનકડી લોટી જેટલું પાણી ઉપયોગમાં લઈ ખપ પૂરતું વાપરવાની સમજ કેળવેલી. જીવન જેમ જેમ આગળ ચાલ્યું તેમ તેમ તમારા વિશેની લેખિત-મૌખિક માન્યતાઓ મારા માનસને ઘેરતી રહી. અહિંસા, બ્રહ્મચર્ય, યંત્રવિરોધ, વર્ણાવ્યવસ્થા સંબંધિત આપના અભિપ્રાયો વિશેની ટીકા-ટીપ્પણીઓ મારા માનસમાં આપની આભાને ખંડિત કરતી રહી. પરંતુ આજે જ્યારે સ્વયંવિવેકથી તમારા જીવન તરફ દૃષ્ટિપાત કરું છું ત્યારે એક સરેરાશ ભારતીય તરીકે તમને સમજી ન શક્યાનો અપરાધભાવ અનુભવું છું.

બાપુ, આપ કેવળ એક રાજનૈતિક વ્યક્તિત્ત્વ જ નહોતા પરંતુ એથી પણ વિશેષ યુગદૃષ્ટા તરીકે માનવકલ્યાણની ભાવનાથી પ્રેરીત થઈ મુઠ્ઠી ઊંચેરા ભારતીયથી આગળા વધી વિશ્વમાનવ બની રહ્યા. આપે ન કેવળ સમકાલીન પરંતુ દીર્ઘકાલીન સમસ્યાઓના નિરાકરણ માટે ઊંડું ચિંતન કર્યું. મનુષ્યની ગરિમા, સ્વતંત્રતા અને નૈતિક શક્તિને પ્રોત્સાહિત કરવા સત્ય, પ્રેમ, અહિંસા અને સહયોગ જેવા નૈતિક મૂલ્યોની સ્થાપના પર ભાર મૂક્યો. સાથે જ શોષણ અને અત્યાચાર સામે લડવા સત્યાગ્રહ, બહિષ્કાર, સવિનય અવજ્ઞા જેવા લોકતાંત્રિક અને અહિંસાત્મક સાધનો માનવજાતના હાથમાં મૂક્યા.

આપના વ્યક્તિત્ત્વમાં એક ગજબ ચુંબકીય બળ હતું. આપે સાધ્યની સાથે સાધન શુદ્ધિ પર પણ ભાર મૂક્યો. દેશને બ્રિટીશ સામ્રાજ્યવાદથી મુક્તિ અપાવવાની સમાંતરે આપે જનમાનસને સ્પર્શતા સસ્પૃશ્યતા નિવારણ, સાંપ્રદાયિક એકતા, મહિલા ઉત્કર્ષ, દારૂબંધી, બુનિયાદી શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓ પર પોતાની અસર છોડી.

સમયની સાથે સમસ્યાઓ અને તેના ઉકેલ બદલાતા જાય છે. પરંતુ હું જોઉં છું કે વર્તમાન સમાજ – વિશ્વની સમસ્યાઓનો ઉકેલ આપના જીવનવિચાર, મૂલ્યસિમ્દ્ધાંતો તેમજ આર્થિક સામાજીક અવધારણાઓમાં નિહિત છે. વિશ્વ આજે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે નોઆખલીનું એઅ અડગ વૃદ્ધ શરીર આંખ સામે તરવરે છે. સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશને અવરોધતી પછાત, સંકુચિત, ધાર્મિક માનસિકતાને લોકમાનસમાંથી હટાવી શકવા માટે તમારાથી ઉત્તમ કોણ હોઈ શકે ? બેરોજગારી અને આર્થિક મંદીનો પ્રશ્ન આપના બુનિયાદી શિક્ષણ સ્વરૂપ અને ગ્રામ સ્વરાજની સંકલ્પનાથી ઉકેલી શકાય તેમ છે. જળવાયું પરિવર્તનના પડકારને પહોંચી વળવા સમગ્ર વિશ્વને એકજૂથ કરી શકે તેવું આપ જેવું સર્વસ્વીકૃત નૈતિક નેતૃત્ત્વ આજના સમયની માંગ બની ગયું છે.

માર્ટીન લ્યુથર, હો ચિ મિન્હ, નેલ્સન મંડેલા જેવા નેતૃત્ત્વો તેમના પર આપની અસરને સ્વીકારી ચૂક્યા છે. અન્યાય, શોષણ, સામ્રાજ્યવાદ સામે આપે ધરેલું અહિંસાનું વ્રત આજે પણ વિશ્વના સામાજિક ક્રાંતિના ધરાતલને પ્લાવિત કરી રહ્યું છે. અમે ધર્મગ્રંથોમાં ઈશ્વરને અલૌકિક શક્તિઓની મદદથી વિશ્વકલ્યાણ કરતાં વાંચ્યા-સાંભળ્યા છે પરંતુ અમારા જેવો જ એક માનવદેહ તેની વિરલ આત્મશક્તિના પ્રભાવથી સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી બની રહ્યો છે તે ઘટના માનવ ઈતિહાસનું એક ઉત્તુંગ શિખર છે. આપના મહાન વિચારો સદીઓ સુધી માનવજાતિનું પથદર્શન કરતા રહેશે – પ્રેરણા આપતા રહેશે.

લિ.
આપનો ગુણાનુરાગી
વિજય

તા.ક. આમ તો પહેલી ઓક્ટોબરે પોસ્ટકાર્ડની ૧૫૧મી જયંતિ વિશે લખવા ઈચ્છી રહ્યો હતો પરંતુ ઓફિસમાં આવનારી ઑડીટની તૈયારીઓમાં કામનું ભારણ બમણું થઈ ગયું છે. ઉપરાંત શાળાઓ બંધ હોવાના કારણે બાળકોના અભ્યાસ માટે ફળવાતો થોડો સમય તથા નવા સરનામે બંધાઈ રહેલી સ્વપ્નકુટિરની તૈયારીઓની વ્યસ્તતા અને એ બધાથી ઉપર લખવાની આળસના કારણે, ગત વર્ષે ગાંધીજીની ૧૫૦મી વર્ષગાંઠ નિમિતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજીત પત્રલેખન પ્રતિયોગિતા ઢાઈ અખરમાં Bapu, You are Immortal ! વિષયે ગાંધીજીને લખેલો પત્ર બેઠો નકલ કરી અહીં ચોંટાડી રહ્યો છું.