Posted in Books I Love to Read

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

બરાબર આજના જ દિવસે ૧૯૧૫ના વર્ષમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પર ફર્યા હતા. આ સાથે જ ભારતીય રાજકીય ઈતિહાસમાં નવા પ્રકરણો ઉમેરાયા હતા. ગાંધીજીના વતન પરત ફર્યાના દિવસની યાદમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૩થી દર વર્ષે ૯ જાન્યુઆરીના રોજ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. ગાંધીજીની ભારત ખાતેની રાજકીય ચળવળોથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ તેમના આફિકા વસવાટ દરમિયાનના સામાજીક, રાજકીય સંઘર્ષથી આપણે હજુ એટલા પરિચિત નથી. ખરું કહીએ તો આફ્રિકા વસવાટના ૨૧ વર્ષોમાં જ ગાંધીજીની રાજકીય સમજ, મંતવ્યો અને નૈતિક ધોરણો ઘડાયાં હતા. તો ચાલો આજે એક એવા પુસ્તકની વાત કરીએ જે આપણને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના રાજકીય નેતૃત્ત્વ વિશેની રૂપરેખા પૂરી પાડે છે.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એ દક્ષિણ આફ્રિકાની અંગ્રેજી સરકાર સામે પ્રવાસી ભારતીયો દ્વારા પોતાના અધિકારો માટેના અહિંસક પ્રતિકારના મહાત્મા ગાંધીના નેતૃત્વનું ઐતિહાસિક વર્ણન રજૂ કરે છે. આઠ વર્ષની આ ઐતિહાસિક લડતના ઉતારચડાવને ગાંધીજીએ બખૂબી તાદૃશ્ય કર્યો છે. પુસ્તકની શરૂઆતમાં જ વાચક સમગ્ર ઘટનાક્રમને સ્પષ્ટ રીતે સમજી શકે તે માટે દક્ષિણ આફ્રિકાનો ભૌગોલિક ઇતિહાસ રજૂ કરાયો છે. ત્યારબાદ આફ્રિકામાં હિંદીઓના આગમનના કારકો અને કારણોની રૂપરેખા આપી હિંદીઓને અહીં પડી રહેલી મુશ્કેલીઓનું વિવરણ રજૂ કર્યું છે. બોઅરની લડાઈમાં હિંદીઓની ભૂમિકા અને યોગદાનની સમજ સ્પષ્ટ કર્યા બાદ ગાંધીજીએ એશિયાટીક એમિન્ડમેન્ટ એક્ટ દ્વારા હિંદીઓના પરવાના સંબંધી ઊભી થયેલી ગૂંચ અને સરકારની મેલી મૂરાદને ઝીણવટપૂર્વક આલેખી છે. આ ખૂની કાયદાના પ્રતિરોધ માટે સમગ્ર હિંદી કોમે આદરેલા અહિંસક પ્રયાસો કેવી રીતે સત્યાગ્રહમાં પરિણમ્યા અને આ સૈદ્ધાંતિક લડાઈમાંથી સત્યાગ્રહનો આત્મા કેવી રીતે ઘડાયો તેનું ગાંધીજીએ આફ્રિકાના પોતાના જીવનકાળની વાતો અને અનુભવો દ્વારા રસપ્રદ આલેખન કર્યું છે. પોતે સમગ્ર લડાઈના મુખ્ય સૂત્રધાર હોવા છતાં સમગ્ર પુસ્તકમાં તેમણે લડાઈમાં ઉપયોગી થઈ રહેલા તેમના નાના મોટા સહાયક સાથીદારોની ભૂમિકાઓને નાયક તરીકે રજૂ કરી છે. સરકાર સાથેની વાટાઘાટો, વક્ર રાજનીતિને પરિણામે મળતી નિષ્ફળતાઓ અને કોમમાં નિર્ણય બાબતે ઉદ્‌ભવતો વિચારભેદ કે પછી પઠાણો દ્વારા તેમના પર મુકાયેલો અવિશ્વાસ-હુમલો, દરેક પરિસ્થિતિમાં ગાંધીજીના મહાત્મા તરીકેના ઘડતરની સ્પષ્ટ છાંટ વર્તાય છે. એક વિશાળ ગરીબ સમુદાયનું નેતૃત્ત્વ કરનાર ગાંધીજીએ સરકાર સામેની લડાઈ દરમિયાન ઉદ્‌ભવેલી સામાજિક મુશ્કેલીઓ અને તેના નિરાકરણરૂપે સ્થાપેલા ટોલ્સ્ટોય ફાર્મની વાતો પણ એટલીજ પ્રભાવક છે. ક્યાંક આહાર સંબંધી પોતાના પ્રયોગો કે ટોલ્સ્ટોય ફાર્મના રહેવાસ દરમિયાન બાળાઓ અને બાળકોને સાથે રાખવાના પ્રયોગોમાં પોતાની ભૂલ હોવાનો પણ તેમણે એટલીજ સહજતાથી સ્વીકાર કર્યો છે. સ્થાનિક અધિકારીઓ કે વિલાયત ખાતેના ડેલીગેશન રૂપે અંગ્રેજી હાકેમો સાથેની તેમની ચર્ચાગોષ્ઠિઓ અને વાત મૂકવાની તેમની આગવી આવડત, ગોખલે તેમજ અન્ય ગોરા અધિકારીઓ સાથેના તેમના સંબંધો વિશિષ્ટ છાપ છોડે છે.

બોઅર યુદ્ધ દરમિયાન ભારતીય એમ્બ્યુલન્સ કોર્પ્સના સ્ટ્રેચર-બેરર્સ સાથે ગાંધીજી
ગાંધીજી કસ્તુરબા સાથે

Image Source Wikimedia commons

સદર પુસ્તક ઇતિહાસ રજૂ કરતું હોવા છતાં તે એક ઐતિહાસિક તવારીખ ન બની રહેતાં સત્યાગ્રહની ઉદ્‌ભવકથા/સંઘર્ષકથા અને અહિંસાના સિદ્ધાંતો દ્વારા વિરોધ કરવાની ચીલો ચાતરનારી નવીન પદ્ધતિનો અભિગમ રજૂ કરતું એક દસ્તાવેજી ચિત્ર બની રહે છે. સાથે જ હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં ગાંધીજીની ભૂમિકાની પૃષ્ઠભૂમિને પણ રજૂ કરે છે. ગાંધીજીની આત્મકથા તેમના ‘સત્યના પ્રયોગો’ હતા તો દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ એ તેમના ‘સત્યાગ્રહના પ્રયોગો’ કહી શકાય.